અશ્વિની ભટ્ટ

વિખ્યાત લેખક અશ્વિની ભટ્ટ (૧૯૩૬-૨૦૧૨)ની નવલકથાઓએ ગુજરાતી વાચકોની પેઢીઓનાં દિલોદિમાગ પર રાજ કર્યું છે અને હજુ એ મોહિની ઓસરતી નથી. 

શ્રી હરપ્રસાદ અને શરદકાન્તા ભટ્ટના પુત્ર અશ્વિની માનસશાસ્ત્રના સ્નાતક હતા. બાળપણથી નાટકમાં તેમને પ્રચંડ રસ. અમદાવાદસ્થિત નાટ્યસંસ્થા ‘રંગમંડળઽનાં ઘણાં નાટકોમાં તેમણે અભિનય કર્યો હતો. ત્યાર પછી પણ રંગમંચ સાથે જુદા જુદા સ્વરૂપે તેમનો નાતો ચાલુ રહ્યો. ૧૯૬૭માં તેમનું લગ્ન થયા પછી કળાપ્રવૃત્તિઓમાં નીતિબહેન તેમનાં સંગાથી બની રહ્યાં.  

અશ્વિની ભટ્ટે સંખ્યાબંધ અંગ્રેજી નવલકથાઓના ગુજરાતી અનુવાદ કર્યા. અંગ્રેજી નાટકોને પણ તે ગુજરાતીમાં લાવ્યા. તેમની પહેલી હપ્તાવાર નવલકથા ‘લજ્જા સન્યાલ (૧૯૭૮)ની સફળતા પછી તેમણે લેખનને કારકિર્દી તરીકે અપનાવ્યું. માતબર ફેલાવો ધરાવતાં અખબારો-સામયિકોમાં તેમની નવલકથાઓ હપ્તાવાર છપાઈ અને ત્યાર પછી પુસ્તકસ્વરૂપે પ્રગટ થઈ. તેમની એક પછી એક નવલકથાઓ ગુજરાતી વાચકોને મંત્રમુગ્ધ કરતી રહી. 

 લેખનની સાથોસાથ નાટ્યપ્રેમથી દોરવાઈને તેમણે ૧૯૮૨માં ‘સમાંતર’ નામે પ્રયોગ શરૂ કર્યો, જેનો આશય નાટક જોવા જઈ ન શકતા સામાન્ય લોકો સુધી નાટકને પહોંચાડવાનો હતો. નવલકથાકાર ઉપરાંત પત્રકાર તરીકે તે સામાજિક મુદ્દા તેમ જ પર્યાવરણના પ્રશ્નો અંગેની ચળવળોના સમર્થક રહ્યા.